લુહાર સમુદાય ભારતીય મૂળ અર્થતંત્રનો સૌથી મોટો મહત્ત્વપૂર્ણ પાયો ગણવામાં આવે છે. છેલ્લા એક હજાર વર્ષમાં ભારતીય ઉપખંડમાં લુહાર સમુદાયે જેઓને ઘણી જગ્યાએ પાંચાલ, વિશ્વકર્મા અથવા લોહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસકો, રજવાડાં અને મોટા રાજ્યોના અસ્તિત્વ અને વિકાસમાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તેમનું યોગદાન માત્ર હસ્તકલા પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તે શાસન, સંરક્ષણ અને અર્થતંત્રના મૂળમાં હતું. આ લેખમાં અહીં તેમના યોગદાન, સમાજમાં તેમની વિશેષતા અને રાજાઓ દ્વારા મળતા વળતર પર વિસ્તૃત લેખ રજૂ કરી સમાજને અવગત કરાવી રહ્યો છું.
ચાલો જાણીએ, ભારતીય મૂળ લુહારોનું યોગદાન મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલું હતું. સંરક્ષણ, કૃષિ અને માળખાગત સુવિધાઓ આ ત્રણ વિશેષતા થી તેમના કાર્ય કૌશલ ને એક મોટી પ્રતિભા નું સ્થાન પ્રાપ્ત થાતું હતું.
સંરક્ષણ અને લશ્કરી યોગદાન -
યુદ્ધ અને સંરક્ષણના સંદર્ભમાં લુહારોનો ફાળો શાસકો માટે સૌથી મહત્ત્વનો હતો, કારણ કે રાજ્યની સુરક્ષા સીધી તેમના કૌશલ્ય પર નિર્ભર હતી. શસ્ત્રોનું નિર્માણ અને જાળવણી અને હથિયાર બનાવવા જેવા કે તલવારો, કટાર, ભાલા, ધનુષના તીક્ષ્ણ અગ્રભાગ અને બખ્તરો નું નિર્માણ કરવું. મરાઠા, મુઘલ અને રાજપૂત શાસકોના શસ્ત્રાગાર લુહારો પર સંપૂર્ણ નિર્ભર હતા. તેમાં વિશિષ્ટ શસ્ત્રોની વાત કરીએ તો ઊંચી ગુણવત્તાવાળા ધાતુમાંથી બનેલા વિશિષ્ટ શસ્ત્રો જેમ કે દક્ષિણ ભારતમાં ઉરૂમી તલવાર, અથવા ઉત્તરમાં ખંડા અને કમર પર રહેતી તલવાર સ્વરૂપ પટા બનાવવામાં તેઓ નિષ્ણાત હતા.
કિલ્લાઓ અને સંરક્ષણ -
મુખ્ય નગર દરવાજા, કોટ દરવાજા અને તાળાબંધી, શાસકોના કિલ્લાઓના મુખ્ય દરવાજા, જેના પર હુમલો કરવો લગભગ અશક્ય હોય, તેવા ધાતુના સળિયા અને લોખંડી પટ્ટીઓથી મજબૂત બનાવતા. આ ઉપરાંત જટિલ તાળાઓ અને સુરક્ષા વ્યવસ્થાઓ બનાવવામાં તેઓ ખૂબ કૌશલપૂર્ણ કાર્ય કરતા હતા. સાથે સાથે તોપ અને બારૂદના સાધનો બનાવવા તેઓ માટે મહત્વપૂર્ણ અને નિર્ણાયક નિર્માણ હતું. મુઘલ અને અન્ય મોટા રાજ્યો માટે તોપના ગોળા, તોપનું માળખું અને બારૂદ સંગ્રહવા માટેના ધાતુના સાધનો બનાવતા હતા. તે સિવાય તેઓ સેના માટેની વસ્તુઓમાં ઘોડાના નાળ, રથના ધાતુના ભાગો, કોટ ઉપર ચઢાઈ દરમિયાન ચઢવા માટેની ખિલ્લા ચાદર અને પરિવહન માટેના સાધનોની જાળવણી અને વગેરે વસ્તુઓ નિર્માણ કરતા હતા.
કૃષિ અને અર્થતંત્રમાં યોગદાન -
રાજ્યની સંપત્તિનો આધાર કૃષિ હતો, અને લુહારોએ તેને મજબૂત બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો.
ખેતીના ઓજારોની વાત કરીએ તો ખેડૂતો માટે હળના ફાલ, કોદાળી, દાતરડાં અને કુહાડી જેવા આવશ્યક ઓજારોનું નિર્માણ કરતા. ટકાઉ અને કાર્યક્ષમ કૃષિ ઓજારો રાજ્યના ખાદ્ય ઉત્પાદન માટે નિર્ણાયક હતા. તે સિવાય મુખ્ય સિંચાઈ વ્યવસ્થા જોઈએ તો એમાં પણ કૂવામાંથી પાણી ખેંચવા માટેના ધાતુના ગરગડીઓ, સાંકળો અને અન્ય ઉપકરણો બનાવતા, જે સિંચાઈ વ્યવસ્થાને સરળ બનાવતા હતા. હજુ મહત્ત્વપૂર્ણ વસ્તુ જે રાજ્યોને સંચાલન માટે મહત્વપૂર્ણ હતી તે છે કર સંગ્રહના સાધનો જેમાં મહેસૂલ કે કર સંગ્રહ કરવા માટેના વજનીયાં અને માપદંડના ધાતુના સાધનોમાં ચોકસાઈ જાળવતા, જેનાથી રાજકોષમાં યોગ્ય આવક જળવાઈ રહેતી હતી.
દૈનિક જીવનમાં યોગદાન -
તેમાં બાંધકામ એક એવું મહત્ત્વપૂર્ણ યોગદાન છે જેમાં મંદિરો, મહેલો, પુલો અને જાહેર ઇમારતોના નિર્માણમાં ધાતુના બીમ, કડીઓ અને સળિયાનો ઉપયોગ કરતા જેની બનાવટ લુહારો દ્વારા વિશિષ્ટ ગણાતી હતી. તેમાં પણ ગૃહ ઉપયોગી વસ્તુઓ જેવી કે ઘરો માટે તાળા-ચાવી, વાસણો, બારી-બારણાંની ચોખટ અને લોખંડ માં નક્કાશી કરેલ જારીઓ દરવાજા એ વિશિષ્ટ હતા. સાથે રોજીંદી જરૂરીયાતની વસ્તુઓ બનાવતા હતા.
સમાજમાં લુહારોની વિશેષતા -
સમાજમાં લુહાર સમુદાયનું સ્થાન અનિવાર્ય કારીગરો તરીકેનું હતું. સમાજમાં તેઓની અનિવાર્યતા ઘણી વાર પડતી હતી. લુહાર એક એવો સમુદાય હતો જેની સેવાઓ વિના કોઈપણ ગામડું કે શહેર ટકી શકે નહીં. યુદ્ધ હોય કે શાંતિ, તેમનું કૌશલ્ય હંમેશા માંગમાં રહેતું. તેમને 'શિલ્પી' અથવા 'વિશ્વકર્માના વંશજ' તરીકે આદર મળતો હતો. ગામમાં કે શહેરોમાં તેઓના કાર્યની બોલબાલા રહેતી હતી. તેમાં પણ પંચાયત અને ગ્રામીણ વ્યવસ્થામાં સ્થાન મોટું હતું. ઘણા ગ્રામીણ વિસ્તારોમાં, લુહારોને પરંપરાગત જજમાની પ્રથા (મહત્ત્વપૂર્ણ બેઠક) હેઠળ સમાજનું અનિવાર્ય અંગ ગણવામાં આવતા. તેઓ ગામ માટે નિયમિતપણે સેવાઓ પૂરી પાડતા, અને બદલામાં તેમને પાક લણણીના સમયે અનાજનો ભાગ મળતો. સ્થાનિક સત્તા માં પણ તેઓનું સ્થાન અગ્રેસર હતું. ગામના સ્તરે, લુહારને ઘણીવાર નાના ઝઘડાઓમાં નિર્ણય લેનાર તરીકે અથવા પંચાયતના સભ્ય તરીકે સ્થાન મળતું હતું, કારણ કે તેમનું આર્થિક યોગદાન ખૂબ ઊંચું હતું.
વાત કરીએ હવે તેમના અંદરના કૌશલ્યના જ્ઞાનની તો તેમનું કૌશલ્ય વંશપરંપરાગત રીતે ચાલતું હતું. ધાતુઓને ઓળખવાની, મિશ્રણ કરવાની અને તેમને ગાળવાની ટેકનોલોજીનું જ્ઞાન માત્ર તેમના સમુદાય પૂરતું સીમિત હતું, જે તેમને એક વિશેષ સ્થાન આપતું હતું.
રાજાઓ અને રજવાડાં દ્વારા મળતું વળતર -
લુહારોને તેમની અમૂલ્ય સેવાઓ માટે રાજાઓ અને રજવાડાં દ્વારા અલગ-અલગ પ્રકારનું વળતર મળતું હતું. રોકડ અને વસ્તુઓનું વળતરની સાથે સાથે તેઓને બીજી અન્ય રાજકીય સુવિધાઓ પ્રાપ્ત કરાવાતી હતી. જેમાં વેતનની તરફ નજર કરીએ તો મોટા રાજ્યો અને સૈન્યના શસ્ત્રાગારોમાં કામ કરતા લુહારોને નિયમિત રોકડ વેતન અથવા રાજ્યના અનાજ ભંડારમાંથી માસિક ધોરણે અનાજ મળતું હતું. તેઓને અવારનવાર વિશેષ પુરસ્કાર પણ મળતા હતા. મહત્ત્વપૂર્ણ લશ્કરી વિજય પછી, શસ્ત્રો બનાવનાર લુહારોને રાજા દ્વારા સોના, ચાંદી અથવા કિંમતી કપડાંનું વિશેષ વળતર મળતું હતું. તેમાં મુખ્ય ગણીએ તો જમીન અને રહેઠાણનું વળતર લુહારના સામાજિક દરજ્જા અને તેમની અનિવાર્યતા દર્શાવતું હતું. ઈનામી જમીન પણ એનાયત કરવામાં આવતી હતી. શાસકો લુહારોને તેમની સેવાની કદર રૂપે કરમુક્ત ખેતીલાયક જમીન અથવા રહેણાંક જમીન આપીને સ્થાયી કરતા. આનાથી લુહારની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત થતી. કિલ્લાની નજીક અથવા મુખ્ય બજાર વિસ્તારમાં તેમને રહેવા અને કામ કરવા માટેની જગ્યાઓ ફાળવવામાં આવતી, જેથી તેઓ તાત્કાલિક સેવાઓ પૂરી પાડી શકે. અને દરેક જોગવાઈ પર ધ્યાન આપવામાં આવતું હતું.
સામાજિક માન અને અધિકારો -
તેના કારણે ગામ અને શહેરો માં તેઓનું માન અને આદર ખૂબ હતું. ખાસ કરીને રાજપૂત અને મરાઠા રજવાડાંમાં, યુદ્ધના સાધનો બનાવનાર લુહારોને દરબારમાં આદર આપવામાં આવતો હતો. રાજ્ય દ્વારા તેમને અન્ય કારીગરોની તુલનામાં વધુ રક્ષણ અને આશ્રય મળતો હતો. લુહારના ઓજારોને ઘણીવાર ધાર્મિક વિધિઓમાં આદર સાથે સામેલ કરવામાં આવતા હતા. તેઓના ઈષ્ટદેવ ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના પણ દરેક બાંધકામો અને નિર્માણ વખતે કરવામાં આવતી હતી.
ટૂંકમાં, છેલ્લા એક હજાર વર્ષમાં લુહારોએ ભારતીય રાજ્યોના પાયાના નિર્માણમાં મૌન એન્જિનિયરો તરીકે કામ કર્યું છે. તેમનો ફાળો માત્ર ધાતુ ઘડવા પૂરતો સીમિત નહોતો, પણ શાસકોને યુદ્ધમાં વિજય અપાવવામાં અને ખેતી દ્વારા રાજ્યને સમૃદ્ધ બનાવવામાં નિર્ણાયક હતો. આજની તુલના આધુનિક ભારત અને તકનીકી સુવિધાઓ થી પરિપૂર્ણ હોવા છતાં પણ છેલ્લા એક હજાર વર્ષમાં લુહારો દ્વારા જે નિર્માણ અને યોગદાન રહ્યું તે ખૂબ પ્રશંસનીય છે. આજના યુગમાં પણ ભારતીય અર્થતંત્ર માં વિશ્વકર્મા સમાજની મૂળ પાંચ કલાઓ અતિ વિશિષ્ટ કાર્ય તરીકે અગ્રેસર રહે છે. તેઓનું યોગદાન દેશ માટે હમેશાં ચોકસાઈ અને કૌશલ્ય થી પરિપૂર્ણ રહ્યું છે.
લેખક - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા)












































