Friday, April 23, 2021

કોરોના તો હારશે જ ! કોરોના પોઝીટીવ થી નેગેટીવ સુધીની મારી સફરજીગર કવૈયા ( લેખક, વક્તા )- કમળાપુર


હાલનાં સમયની વાત કરીએ તો પરિસ્થિતિ થોડી વિકટ છે. સવારનું અખબાર આપણાં હાથમાં આવે કે ટીવી ચાલું કરતાંની સાથે જ બધે એક જ વાતો સાંભળવા મળે કોરોના, હોસ્પિટલો, મૃત્યુનાં આંકડા, ઓક્સિજનની અછત, સરકારની લાપરવાહી, અને આવું તો ઘણું બધું....! વ્યક્તિ ફફડી જાય છે. કારણકે, ચોતરફ નકારાત્મક બાબતો જ જોવા અને સાંભળવા મળે છે. 

ઘણા સ્વસ્થ લોકો આવી નકારાત્મક બાબતોની ઝપેટમાં આવીને પોતાનું સ્વાસ્થ્ય બગાડે છે. શું આ નકારાત્મકતાનાં ગુલામ બનીને જ રહેવું છે ?

પરિસ્થિતિમાં સુધારો લાવવો હોય તો ફરજીયાત પણે હકારાત્મકતાને  ભેટવું જ પડશે.

"અમે તો રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો જાતને તોયે જીવી જવાના."

આ આત્મવિશ્વાસનાં બળે જ આજે મેં કોરોનાને હરાવ્યો છે.
જી બિલકુલ, આપ સાચું જ વાંચી રહ્યા છો.

વાત જાણે એમ હતી કે તારીખ 6 એપ્રિલનાં રોજ અચાનક મને ગંભીર તાવ, શરીરમાં નબળાઈ, મોઢા તથા ગળામાં ચાંદા પડી જવા, અવાજ બેસી જવો, સ્વાદ ગુમાવી બેસવો જેવા અનેક લક્ષણો શરીરમાં દેખાતાં હતા. તરત જ મેં કમળાપુર સ્થિત P.H.C. સેન્ટરમાં ફરજ બજાવતાં ડો. ધવલગીરી ગોસાઈ જે મારાં પરમ મિત્ર પણ છે. તેમને આ બધું જણાવ્યું તો તેમણે તરત કોરોનાનો રિપોર્ટ કર્યો. એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. પણ લક્ષણો બધાં કોરોનાના હોવાથી RT PCR માટે સેમ્પલ એકઠાં કર્યા. અને રાજકોટ મોકલ્યા. ડોકટરે મને સલાહ આપી કે રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમે હોમ આઇસોલેટ થઈ જાઓ. તરત જ ઘરે હું એક રૂમમાં હોમ આઈસોલેટ થઈ ગયો. 8 એપ્રિલનાં રોજ મારો રિપોર્ટ આવ્યો અને એ POSITIVE હતો. શરુઆતનાં તબક્કામાં એક ડર મારી અંદર ઉદ્દભવ્યો. કોરોના થયો છે હવે હું બચી નહીં શકું. આવા અનેક વિચારોનું વમળ મારાં મનમાં સર્જાતું હતું અને હું જાણે આ વમળમાં ધીમે ધીમે ડૂબતો જતો હતો. હતાશા જાણે કે મને ઘેરી વળી હતી. અને આ હતાશાનું પરિણામ સારું ન આવ્યું. આપણું વિજ્ઞાન કહે છે તેમ કે તમે જેવું વિચારો છો એવાં જ તમારાં શરીરમાં રાસાયણિક ફેરફારો થવાં લાગે છે. મારી સાથે પણ કંઈક આવું જ થયું. સતત ટીવી ચેનલો, સોશિયલ મિડીઆ, બધામાં એક જ વાતો સાંભળવા મળે ઓક્સિજનની અછત, હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈનો. આવું સતત મનમાં ઘૂમ્યા કરવાથી મારુ ઓક્સિજન લેવલ 90 નીચે જતું રહ્યું અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ.

ડૉક્ટરનાં સતત માર્ગદર્શન નીચે મને સલાહ આપી કે નાસ લેવાનું ચાલુ કરો. નાસ લેવાથી મને થોડી રાહત જરૂર થઈ. પણ મારે આવી થોડા સમયની રાહત નહોતી જોઈતી. મારે તો કોઈ પણ સંજોગોમાં આ કોરોનાને મ્હાત આપવી હતી. જે ફક્ત વિચારોની શકિતથી જ શક્ય હતું. મેં ખૂબ વિચાર્યું કે "વિચારોના વાવેતર" થકી હું ખુદ ઘણાં લોકોને હરાત્મકતાનું પાણી પાવાનું કામ કરૂં છુ. આજે મારે એ શ્રેષ્ઠ વિચારોની જરૂર છે. મારે એક આત્મબળની જરૂર છે.

મારે હકરાત્મકતાની જરૂર છે.
મેં એ પણ વિચાર્યું કે કોરોનાં ગમે તેટલો ઘાતક કેમ ન હોય ! મારા મનની શક્તિ, મારી હકરાત્મકતા, મારુ આત્મબળ, મારાં વિચારોની શક્તિ સામે ક્યારેય ટકી ન શકે. બસ આ વિશ્વાસે મારામાં નવા પ્રાણ પૂર્યા. આ સમયે મારા પરિવારનાં સભ્યો, મારી બહેન, મિત્રો, વિધાર્થીઓએ હંમેશા મને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને વિશેષ આભાર હું કૃષ્ણકાંત ઉનડકટ ( કટાર લેખક, વક્તા ) તેમજ તેમનાં પત્ની જ્યોતિ ઉનડકટ ( પત્રકાર, લેખિકા, વક્તા ) નો વ્યક્ત કરીશ કારણકે, મારાં આ કપરાં સમયમાં તેમણે મને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તેમજ મારાં મિત્ર એવા ડો. ધવલગીરી ગોસાઈનો સ્ટાફ તો નિયમિત ઘરે તપાસ કરવા આવતો. પણ વ્યસ્તતા વચ્ચેથી સમય કાઢીને નિયમિત દર બે દિવસે ડો. ધવલગીરી ખુદ મારી તબિયત પૂછવા ઘરે આવતા હતા. અને હકારાત્મક વાતો કરતાં હતાં. બસ પછી તો શું જોઈએ.
ભાવતું તું 'ને વૈધે કહ્યું
હકારાત્મકતાની જ જરૂર હતી ને ડોકટર, પરિવારજનો, મિત્રો, વિધાર્થીઓ વગેરે પાસેથી મને એ જ મળ્યું. જ્યારથી આ હકારાત્મક વિચારશૈલી અપનાવી ત્યારથી તબિયતમાં ધીમે ધીમે સુધારો આવ્યો. ફક્ત વિચારો જ નહીં, દવા, દુઆ, યોગ્ય કાળજી, યોગ્ય ખોરાક ,અને યોગ્ય ઊંઘ પણ તેમાં મહત્વનો ભાગ ભજવે છે. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે તમે મનથી સ્વસ્થ હોય. 
મનથી સ્વસ્થ હશો તો તનની અસ્વસ્થતા વધુ સમય તમારી પાસે નહીં ટકે.

બીમારી ગમે તેવી ઘાતક હોય, એક વાત હંમેશા યાદ રાખજો,
તનથી તૂટેલા સમય જતાં સાજા થઈ જાય છે.

પણ મનથી તૂટેલા ક્યારેય સાજા થતા નથી.

જે લોકો અત્યારે કોરોનાનો સામનો કરી રહ્યા છે તેમને ખાસ વિનંતી કરીશ કે વિચારોથી ક્યારેય નબળાં ન પડતા એક અહેવાલ મુજબ મનથી નબળા લોકો વધુ કોરોનાની ઝપેટમાં આવે છે. તેવા લોકોની મનની બીક જ તેમનાં મૃત્યુનું કારણ બને છે. માટે ગભરાવાની જરૂર નથી. મનની મક્કમતા સાથે આજે મેં જેમ આ કોરોનાંને હરાવ્યો તેમ આપણે સૌએ સાથે મળીને મનની મજબૂતાઈ સાથે અડગ મનનાં મુસાફર બનીને આ રોગને હરાવવાનો છે.

પણ સાથે સાથે સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે અમુક નીચે મુજબની માર્ગદર્શિકાનું પાલન પણ અવશ્ય કરીએ.
માસ્ક અવશ્ય પહેરો.( ઘરની બહાર હોય ત્યારે ડબલ માસ્ક પહેરો.)
જરૂર વગર ઘરની બહાર નીકળવાનું ટાળો.
રસીકરણ અભિયાનમાં ટેકો જરૂર આપો.
રસી લીધા પછી પણ કોરોનાં થાય છે આવા નકારાત્મક સમાચારો ફેલાવીને રસી લેવાનું ન ટાળો.
એક સરસ ઉદા. હેલ્મેટ પહેરીને ગાડી ચલાવીએ એટલે એનો અર્થ એ નથી કે એક્સિડન્ટ જ નહીં થાય. પણ હા હેલ્મેટ તમારો જીવ જરૂર બચાવશે. તમને મરવાં નહીં દે. આ રસીનું પણ કંઈક આવું છે. રસી લેવાથી કોરોના થશે જ નહીં એવું નથી પણ જો થાય તો અમુક અંશે સંક્રમણ જરૂર અટકાવી શકાય છે અને વ્યક્તિ મૃત્યુ સુધી પહોંચતો નથી.  માટે જ રસી મુકાવો. મનથી સ્વસ્થ રહો અને હંમેશા હકરાત્મકતાને ભેટી રહો. 
કોરોનાને હરાવવા માટેનું શ્રેષ્ઠ હથિયાર આત્મબળ જ છે.વિચારોના વાવેતરની એક સુક્તિ અહીં સાર્થક ઠરશે.

"આત્મબળ જ દરેક દુઃખની દવા છે."

આપ તથા આપનો પરિવાર સ્વસ્થ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે જીગર કવૈયાનાં જય શ્રી કૃષ્ણ - રાધે રાધે

લેખક - જીગર કવૈયા

લુહાર સમાચાર 
(આપણો સમાજ, આપણા સમાચાર)
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com 

1 comment:

  1. અરે.... આભાર ન માનવાનો હોય. બસ મારી અંદર જે છે એ થોડું તમને પાસ કર્યું. વાયરસ ભલેને એનું કામ કરે ખરી લડાઈ આખરે તો મનથી જ જીતી શકાય છે. એક નવા જીગરનો જન્મ થયો છે. બસ એ જન્મમાં જિંદગી ઉમેરાય, જિંદગી ઉમેરાય એ કરતા ઉમેરાયયેલી જિંદગી વધુ જીવાય એવી શુભેચ્છાઓ. Lots of love.

    ReplyDelete