Wednesday, September 25, 2024

રાજકોટમાં સૌ પ્રથમવાર સમસ્ત લુહારજ્ઞાતિ પરિવારો માટે નાતચોરાશી યોજાશે..





રાજકોટમાં સૌ પ્રથમવાર સમસ્ત લુહારજ્ઞાતિ પરિવારો માટે નાતચોરાશી યોજાશે.

વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા આ સાથે વિશ્વકર્મા પુરાણ કથા સાથે 21 દિકરીઓના સમુહ લગ્નનું ભવ્યાતિભવ્ય આયોજન.



જય વિશ્વકર્મા સાથે જણાવવાનું કે મહાનગર રાજકોટમાં લુહાર સમાજની આશરે એક લાખની વસ્તી છે ત્યારે શહેરમાં ઈતિહાસમાં પ્રથમવાર તમામ સાખ (અટક) ના  તેમજ મચ્છુકઠિયા, સોરઠીયા, પંચાલ, મિસ્ત્રી, મેવાડા સહિત સમસ્ત લુહાર જ્ઞાતિની નાત ચોરાશી જમણ સાથે ભવ્ય વિવિધ કાર્યક્રમોનું આયોજન આગામી નવેમ્બર 2024 માં કરવામાં આવ્યું છે જે માટે અમારી કમિટી દ્વારા તડામાર તૈયારીઓ  શરુ કરવામાં આવી છે. 


રાજકોટના શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા શહેરમાં આવેલા લુહાર ગ્નાતિના તમામ સંગઠનોના તેમજ વિવિધ ગ્રુપના સાથ સહકારથી આ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સમસ્ત લુહાર સમાજ પરિવારો તારીખ: 14-11-2024 ના એક સ્થળે એકત્ર થઈને સમુહ ભોજન લેશે. જૉકે દિવાળી પછી તુરંત આ કાર્યક્રમ યોજાનાર હોય સમગ્ર લુહાર સમાજ માટે આ ભવ્ય અને દિવ્ય સ્નેહમિલન બની રહેશે.


સામાન્ય રીતે લુહાર સમાજ દ્વારા નાના ગામમાં નાત જમણ થતું હોય છે, મોટા શહેરોમાં અટક પ્રમાણે  જ્ઞાતિ ભોજન થતા હોય છે પરંતુ  20 લાખની વસ્તી ધરાવતા રાજકોટ  મહાનગરમાં પ્રથમવાર નાત જમણનું આ એક પડકારરૂપ આયોજન હાથ ધરવામાં આવ્યું છે 


આ સાથે આગામી તા. 6 નવેમ્બરથી તા. 12 નવેમ્બર દરમિયાન રાજકોટમાં વક્તાશ્રી હિરેનભાઈ પંચાલના વ્યાસાસને વિશ્વકર્મા મહાપુરાણ કથાનું આયોજન પણ કરાયું છે જેને લુહાર ઉપરાંત વિશ્વકર્મા સમાજનાં સુતાર,કંસારા, સોની,કુંભાર, કડિયા,પ્રજાપતિ સાથે સમગ્ર વિશ્વકર્મા પુત્ર વંશજો શ્રવણ કરવા ઉમટશે. કથામાં મુખ્યપોથીના યજમાન પદે શ્રી મનીષભાઈ દયાળજીભાઈ મારૂ બિરાજમાન છે ત્યારબાદ તા.14-11-2024 ના રાજકોટ શહેરમાં પ્રથમવાર એક સાથે 21 કન્યાઓના સમુહ લગ્નનું પણ ધામધૂમથી આયોજન છે. 


આ ત્રિવેણી સંગમ સમાન ઉત્સવનો સમસ્ત લુહાર વિશ્વકર્મા સમાજ સાથે વિશ્વકર્મા વંશજ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં લાભ લે તેવા શુભ આશયથી શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન - રાજકોટ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે..

લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com

No comments:

Post a Comment