લુહાર સમાજ સમાચાર ના દરેક વાચક મિત્રોને હિન્દુના નવલાં પર્વની ઢેર સારી શુભકામનાઓ.
દિવાળીના શુભ પર્વ નિમિતે નૂતન વર્ષની હૃદયપૂર્વક શુભકામનાઓ..
દિવાળીએ ભારતીય સંસ્કૃતિનું પવિત્ર પર્વ છે. અસત્ય પર સત્યનો વિજય,અશુભ પર શુભનો વિજય,અજ્ઞાન પર જ્ઞાનના વિજય એ દિવાળીનો મુખ્ય સંદેશ અને ઉદ્દેશ્ય છે.જુના વર્ષની સ્મૃતિઓનો ભાર હળવો કરીને ફરી એકવાર જીવનના કેનવાસ પર નવા રંગો પૂરવાનો અવસર લઈને નૂતન વર્ષ આપણી વચ્ચે આવી પહોંચ્યું છે.
ગુજરાતી પ્રજા માટે આ દિવસ એટલે વિક્રમ સંવંતનો શુભારંભ.નવા વર્ષમાં દિવાળીની રોશની હજી આંખોમાં તાજી હોય, ઘરમાં મીઠાઈઓની સુગંધ મહેકી રહી હોય ત્યારે આ નૂતન વર્ષનું આગમન જીવનમાં એક નવી ઉર્જા,નવી ઉત્સાહ અને નવીન દૃષ્ટિકોણ લઈને આવે છે.નવા વર્ષના પ્રારંભમાં સ્મરણ થાય કે જીવનના પુસ્તકનું એક વર્ષ પૂરું થયું જેના અનુભવો, સારા નરસા પ્રસંગો, સફળતાઓ નિષ્ફળતાઓ બધું જ જીવનના સ્મરણપટ પર અંકિત થઈ ગયું છે. નવું વર્ષ એકદમ નિરંજન, સ્વચ્છ અને ઉજ્જવળ પાનું છે જેના પર આવનારા નવા વર્ષની ગાથા લખવાની છે. આ પાનું આપણને પૂછી રહ્યું છે કે "તમે શું લખવા માંગો છો"? નવા વર્ષે સૌ કોઈ સંવેદનારૂપી સંકલ્પનું સિંચન કરે છે. વહેલા ઊઠવું,નિયમિત વ્યાયામ કરવો,ખોટી આદતો છોડવી વગેરે સંકલ્પો જરૂરી છે.
દિવાળી એ પરિવાર અને મિત્રો સાથે મળીને ઉજવવાનો તહેવાર છે. પરિવારજનો સાથેના સંબંધોને મજબૂત બનાવવાનો પર્વ છે. વર્તમાન સમયમાં પારિવારિક અને સામાજિક સંબંધો ખોખલા બની ગયા છે,ભીડ વચ્ચે શૂન્યતા જોવા મળે છે,ભીતરે મળતા અવાજો ધીમે ધીમે બંધ થઈ રહ્યા છે, જે જીવનને એકલતા, ચિંતા અને ઉદ્વેગ તરફ લઈ જાય છે.મનુષ્ય એ પૃથ્વી પરનું ઇશ્વર દ્વારા થયેલું શ્રેષ્ઠ સર્જન છે,કે જેની પાસે તરસ, ભૂખ અને સ્વાદ પણ છે,જેને વાસ્તવનું તર્કબદ્ધ વિશ્લેષણ કરવાની શક્તિ અને જીવન જીવવાની જીજીવિષા પણ છે,સપનાઓને પૂર્ણ કરવાનો પાંખો પણ છે તો શા માટે જીવનને સાર્થક ન બનાવીએ!
દિવાળીને એક મહોત્સવ બનાવીને માનવ સંબંધોનું
એક નવું બારણુ ખખડાવીએ.કોઈને સહજ આવવું ગમે એવો વ્યવહાર બનાવીએ, મળીયે ત્યારે કશુંક લેવા નહીં પણ કશુંક આપવાના ભાવ સાથે આત્મીયતાથી મળીયે. નવું વર્ષ માત્ર ઉજવણી માટે નથી,આત્મચિંતન સાથે નવા લક્ષ્યો નિર્ધારિત કરવા માટેનો સમય પણ છે.
નવા વર્ષે સંકલ્પ કરીએ કે દરેક ક્ષણને જીવંત બનાવવાનો પ્રયાસ કરીએ,ક્રોધને બદલે કરુણા,ઇર્ષાને બદલે આનંદ અને નિરાશાને બદલે આશાનું સિંચન કરીએ.આપનો પરિવાર સુખ,સમૃદ્ધિ અને વૈભવથી ઝગમગતો રહે અને દીપાવલીના દીવા જેવું આપનું જીવન હંમેશા પ્રજવલિત રહે એવી લુહાર સમાજ સમાચાર પત્રક પરિવાર તરફથી હૃદયપૂર્વક શુભકામનાઓ..
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
આલેખન : ડો. કુંતલ પંચાલ(સિહોર)























































No comments:
Post a Comment