વાવાઝોડાની આફત : વેરાવળથી વાવાઝોડું ૫૩૦ કી.મી. દુર ઃ જામનગર, પોરબંદર, સોમનાથ, જૂનાગઢ, વેરાવળ જિ.માં હાઈ એલર્ટ
બંદરો ઉપર ભયજનક સિગ્નલ : વેરાવળ નજીક સરકતુ વાવાઝોડુઃ દરિયામાં મોજા ઉછળતા કાંઠાળ વિસ્તારમા લોકોને સાવધાન કરાયા
જિલ્લા તંત્ર, વીજટીમો, એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની ટીમો સ્ટેન્ડટુ ઃ બચાવ રાહત માટેની તૈયારી પૂર્ણ
। રાજકોટ । સંભવિત વાવાઝોડા પૂવે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રાજકોટમાં તોફાની પવન સાથે મોડી રાત્રીના વરસાદના છાંટા પડયા હતા જયારે જામનગર, મોરબી, ટંકારા, વાંકાનેરમાં વરસાદનું ઝાપટું પડી ગયું હતું દરિયામાં આજે કરંટ જોવા મળ્યો હતો અને મોટા લોઢ ઉછળ્યા હતા અને આવતિકાલે ત્રાટકનાર તોકતે વાવાઝોડા પહેલા સૌરાષ્ટ્રના રપ૦ ગામ ખાલી કરાવી ૫૮૨૧૩ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
આજે રાજકોટમાં દિવસભર વાદળછાયો માહોલ રહ્યા બાદ મોડી રાત્રીના રાજકોટમાં વાવાઝોડાનું ટ્રેલર જોવા મળ્યું હતું ધૂળની આંધી સાથે ૧૫ મીનીટ સુધી સૂસવાટા મારતા તોફાની પવન ફુંકાતા અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ છવાયો હતો તોફાની પવનના કારણે અનેક વિસ્તારમાં હોડિગ્સ-બેનર હવામાં ઉડયા હતા અને અનેક જગ્યાએે વુક્ષો તૂટી પડયા હતા તોફાની પવન સાથે વરસાદના છટાં પણ પડયા હતા રાજકોટ ઉપરાંત જામનગરમાં પણ રાતના ૭ઃ૩૦થી ૮ વાગ્યા સુધી ભારે પવન સાથે વરસાદ પડયો હતો તોફાની પવનના કારણે શહેરમાં અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.તેમજ મોરબી, ટંકારા અને વાંકાનેરમાં બપોરબાદ વરસાદ પડતા દિવસભર છવાયેલ ઉકળાટમાં થોડી રાહત સાથે વાતાવરણમાં ઠંડક પસરી હતી.
અરબ સાગરમાં ઉદભવેલ તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર ભણી આગળ વધતા ૨૫૦થી વધુ ગામડાં ખાલી કરવામાં આવ્યા છે અને ૫૮૨૧૩ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે વાવાઝોડું આવતિકાલે સવારે સૌરાષ્ટ્રના દરીયા કિનારે ત્રાટકે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.
વાવાઝોડાની અસર આવતિકાલ સોમવારથી જ શરૂ થઈ જશે રાજકોટ, દ્વારકા,જામનગર, મોરબી, પોરબંદર, જુનાગઢ, સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિત કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે જાનહાની ન થાય તે માટે તાલુકા અને જિલ્લા મથકો ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. ગઈકાલે વેરાવળ વાવાઝોડું ૯૮૦ કી.મી દુર હતું વાવાઝોડાએ સ્પીડ પકડી હોય તેમ આજે વેરાવળથી ૫૩૦ કી.મી. દુર છે અને આવતિકાલે સવાર સુધીમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવી પહોચે તેવી શકયતા છે.
વાવાઝોડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તેના કારણે સૌરાષ્ટ્રના દરિયામાં મોટા મોટા મોજાના લોઢ ઉછળી રહ્યા છે.
પોલીસ અને કલેકટર તંત્ર દ્રારા દરિયાકાંઠાના ગામડાઓમાં પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે આજે જામનગરના ૨૨ ગામોમાંથી ૨૯૦૦, સોમનાથમાં ૩૭૭૩, પોરબંદરના ૪૦ ગામોમાંથી ૭૦૦૦, જુનાગઢના માંગરોળ અને માળીયાહાટીના તાલુકામાંથી ૨૫૦૦૦, જાફરાબાદ- રાજુલા તાલુકામાંથી ૬૦૦૦, દ્વારકામાં ૧૨૪૪૦, મોરબીમાંથી ૧૧૦૦ લોકોનું અને રાજકોટ જિલ્લામાંથી ૩૫૮નું સ્થાળાતંર કરવામાં આવ્યું છે. સૌથી વધુ જુનાગઢ જિલ્લાના માંગરોળ અને માળીયાહાટીના તાલુકા અને પોરબંદરમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વાવાઝોડાના કારણે બંદરો ઉપર ભયજનક નંબરના સિગ્નલ ચડાવી દેવામાં આવ્યા છે માછીમારીને દરિયો ખેડવાની પણ મનાઈ કરવામાં આવી છે દરીયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે સ્થળાંતર કરવામાં આવેલા લોકોને શાળા, શેલ્ટર હાઉસમાં ઉતારા આપી તેઓને ફુડ પેકેટ આપવામાં આવ્યા છે.
શહેરો અને હાઈવે ઉપર લગાવવામાં આવેલ મોટા હોર્ડિગ્સ અને બેનરો ઉતરી લેવામાં આવ્યા છે કોઈ જાનહાની ન થાય તે માટેના યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે પીજીવીસીએલની ૫૮૫ ટીમોને ફીલ્ડમાં ઉતરી દેવામાં આવતા જર્જરીત વીજ વાયર અને થાંભલા તાબડતોબ બદલવામાં આવ્યા છે શહેર અને જિલ્લા મથકો ખાતે એમ્બ્યુલન્સોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
સૌરાષ્ટ્રના પોરબંદર અને મહુવા વચ્ચે તોકતે વાવાઝોડું આવતિકાલે ત્રાટકનાર હોવાની હવામાન વિભાગની આગાહીના પગલે ૧૧ જિલ્લાના વહિવટી તંત્રને એલર્ટ બની ગયું છે જામનગર, પોરબંદર, સોમનાથ, જુનાગઢ,વેરાવળ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટજાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ, દ્વારકા, જામનગર,મોરબીમાં ૯૦થી૧૨૦ની સ્પીડે પવન ફૂંકાશે- । રાજકોટ ।
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તોકતે વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે વાવાઝોડાની અસર આવતિકાલ સોમવારથી જ શરૂ થઈ જશે તેના કારણે રાજકોટ, મોરબી, દ્વારકા, જામનગરમાં ૯૦થી ૧૨૦ અને પોરબંદર, જુનાગઢ, સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વાવાઝોડાનું જોર બમણું રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા પોરબંદર, જુનાગઢ, સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ૧૦૦થી૧૩૫ કી.મી.ની ઝડપે પવન ફુંકાવાની ચેતવણી આપવામાં આવી છે અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
વાવાઝોડાના કારણે આવતી કાલે સોમવારે રાજકોટ,જામનગર, પોરબંદર, જુનાગઢ,મોરબી, દ્વારકા,સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જયારે મંગળવારના રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, સોમનાથ, બોટાદ, દિવમાં ભારેથી અતિભો વરસાદ પડશે બાકીના જિલ્લામાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
રિપોર્ટ જયદીપ પિત્રોડા મોરબી