કોઈપણ દેશ કે સંસ્થાનો પ્રમુખ કે નેતા માત્ર સત્તા ભોગવનાર વ્યક્તિ નથી, પણ તે સમાજ અને સંગઠનનો પાયાનો પથ્થર હોય છે. પ્રમુખ પદ જવાબદારી,ગરિમા અને નેતૃત્વનું પ્રતીક છે. સમાજ,સંસ્થા કે રાષ્ટ્રના વિકાસમાં પ્રમુખનું સ્થાન ચણાયેલી ઈમારતના પાયા સમાન હોય છે જેમ એક વિશાળ વટવૃક્ષ તેની શાખાઓને છાયડો આપે છે અને મૂળિયાને પકડી રાખે છે, તેમ એક સમર્થ પ્રમુખ આખી સંસ્થા કે રાષ્ટ્રને એકસૂત્રતામાં બાંધી રાખે છે. ધૂપસળી જેમ પોતે સળગી જઇને અન્યને સુવાસ આપે છે એમ પ્રમુખનું જીવન સમાજને સુવાસ આપવાનું છે.
પ્રમુખ પદ પર બેઠેલી વ્યક્તિનું કાર્ય ત્રાજવા જેવું છે જેનું કાર્ય દરેકને ન્યાય અપાવનારૂ હોય છે. પ્રમુખ માટે સમાજ કે રાષ્ટ્રનો દરેક સભ્ય સમાન હોય છે. પૂર્વગ્રહ રાખ્યા વગર ન્યાયી નિર્ણય લેવો એ તેમની સૌથી મોટી ઓળખ બને છે. મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે બધા ગભરાયેલા હોય ત્યારે પ્રમુખનું શાંત ચિત્ત આખા જૂથને હિંમત આપે છે. પ્રમુખનું પદ કાંટાના તાજ સમાન હોય છે તેમનો એક નિર્ણય લાખો લોકોના જીવન પર અસર કરી શકે છે તેથી જ એક સાચો પ્રમુખ હંમેશા સ્વ કરતા સર્વનો વિચાર પહેલા કરે છે.
ખરા અર્થમાં પ્રમુખ એ નથી જે સભ્યોને હુકમ કરે,પોતાના દોષનો ટોપલો બીજા પર ઢોળે,એકબીજાના વિરોધમાં બીજી ટીમ બનાવે,કાર્યક્ષમતા અને સૂઝના અભાવે પ્રતિભાશાળી વ્યક્તિને નીચા પાડવાનો હીન પ્રયાસ કરે,પરંતુ પ્રમુખ એ છે જે પ્રેરણા આપે,જેમની વાણીમાં અને વર્તનમાં સામ્યતા હોય,જેમના કાર્યોમાં પારદર્શિતા હોય તેવા પ્રમુખ લોકોના હૃદયમાં કાયમ જીવંત રહે છે.
પ્રમુખ પાસે દૂરદર્શિતા એટલે કે ભવિષ્યનું સ્પષ્ટ ચિત્ર હોય છે. તેઓ માત્ર આજનો વિચાર નથી કરતા, પણ આવનારા ૫ કે ૧૦ વર્ષોમાં સંસ્થાને ક્યાં પહોંચાડવી છે તેનું ચોક્કસ લક્ષ્ય રાખે છે. અમુક સંસ્થાઓમાં પ્રમુખો ફક્ત પોતાની વાહ વાહી અને સન્માન મેળવવા પદને હાથો બનાવે છે. પ્રમુખપદ એ કોઈ જોહુકમી કે સમાજને દબાવવા માટે નથી પરંતુ સેવા માટેનું આ એક આદર્શ પદ છે જે ઘણા લોકો ભૂલી જતા હોય છે. એક સારો પ્રમુખ ક્યારેય 'હું' માં નથી માનતો કે મેં જ આ કાર્ય કર્યું છે તેવું નથી કહેતો પરંતુ આપણા સૌ દ્વારા આ કાર્ય થયું છે તેવી ઉદારતામાં માને છે. પ્રમુખ પોતાના દરેક સભ્યના અભિપ્રાયને માન આપે છે અને ટીમમાં એકતા જાળવી રાખે છે. પ્રમુખની વાણીમાં નમ્રતા અને સ્પષ્ટતા હોવી જોઈએ. તેમની વાત લોકોના હૃદય સુધી પહોંચવી જોઈએ જેથી લોકો સ્વેચ્છાએ તેમની સાથે જોડાય. ઘણા પ્રમુખોની ભાષા તીક્ષ્ણ હથિયાર જેવી હોય છે જે ભાષા સમાજને વર્ષો સુધી પાછળ લઈ જાય છે. ઘમંડી અને અવિવેકી પ્રમુખો સમાજ પર એક કલંકરૂપ સાબિત થાય છે. પ્રમુખ પોતે શિસ્તબદ્ધ અને પ્રામાણિક હશે, તો જ તે અન્ય પાસે શિસ્તની અપેક્ષા રાખી શકશે. તેમના માટે સંસ્થાના હિતો હંમેશા પોતાના અંગત સ્વાર્થ કરતા ઉપર હોવા જોઈએ. પ્રામાણિક અને ખેલ દિલીવાળી વ્યક્તિ હંમેશા પોતાનો કાર્યકાળ સમાપ્ત થવાની સાથે રાજીનામાની ઓફર કરે છે. સમાજ તેમને જ ફરી ચૂંટે એ બાબત યોગ્ય છે પરંતુ વર્તમાન સમયમાં પરિસ્થિતિ જુદી છે. આજે ભયંકર વિરોધ અને અરાજકતા વચ્ચે પણ ઘણા પ્રમુખો હોદ્દો છોડવા તૈયાર નથી હોતા. ઘણા પ્રમુખો જાણતા હોય છે કે આપણામાં કોઈ કાર્યક્ષમતા કે કૌશલ્ય નથી જેથી હોદ્દા ઉપરથી ઊતરતા આપણને કોઈ નહીં બોલાવે.
ટૂંકમાં કહીએ તો, સફળ પ્રમુખ એ છે જે રસ્તો જાણે છે, એ રસ્તા પર ચાલે છે અને બીજાને પણ એ રસ્તો બતાવે છે. તેમની સફળતાનું માપદંડ એ નથી કે તેમની પાસે કેટલા સેવકો છે, પણ એ છે કે તેમણે કેટલા નવા 'નેતા' તૈયાર કર્યા છે. નેતૃત્વ એ કોઈ પદ નથી પરંતુ એક જવાબદારી છે.
વર્તમાન સમાજમાં આદર્શ પ્રમુખની શોધ એ કોલસાની ખાણમાં હીરાની શોધ કરવા જેટલી કઠિન છે. સમાજના ઉચ્ચ સ્થાને જો મહત્વકાંક્ષી અને ખોટો માણસ બેસી જાય તો એ સમાજને પતન તરફ ચોક્કસ લઈ જાય છે. એક કહેવત મુજબ *"વાડ જ ચીભડા ગળી જાય છે".* આ કહેવત આજે ઊંધી જોવા મળે છે. *"ચીભડા જ વાડ ગળી જાય છે."* આ કહેવત આજના અમુક કહેવાતા અને બની બેઠેલા પ્રમુખોને લાગુ પડે છે. ઘણી વાર પોતે જ ભૂલી જાય છે કે આપણને આ સ્થાન પર બેસાડનાર અને પહોચાડનાર વ્યક્તિ કોણ છે? પ્રમુખ પદ આવી જાય એટલે પોતે સમાજનો રાજા છે એવું માને છે. પ્રમુખની ભૂમિકા એક સમાજના ચોકીદાર કે સેવક તરીકેની છે. પ્રમુખ પાસે સારા હોદ્દેદારો અને કારોબારી સભ્યો તૈયાર કરવાની અને સાચવી રાખવાની કુનેહ હોવી જરૂરી છે. પ્રમુખ પાસે જો સારો નરસો વિચાર કરવાની ક્ષમતા નહીં હોય તો અન્યની ખોટી સલાહ લઈને સારા સભ્યો ખોવાનો વારો ચોક્કસ આવે છે. ઘણા સભ્યો સમાજસેવાને બદલે સમાજ સાથે રમતો રમતા હોય છે અને એ રમતોમાં ઘણી વાર પ્રમુખને મોરો બનાવતા હોય છે જેથી કાચા કાળજાના પ્રમુખ અન્યની દોરવણીમાં આવીને પોતાનું આદર્શ સ્થાન સમાજમાં ઉપેક્ષાભર્યું બનાવતા હોય છે.
સમાજના અમુક મંડળોમાં આજે પણ શકુનિ અને નારદમુનિ જેવી વિચારધારા ધરાવનાર લોકો છે જે પ્રમુખ અને સમગ્ર ટીમને ગેરમાર્ગે દોરીને પોતાના અંગત સ્વાર્થ અને દુશ્મનીને સંતોષવાનું કામ બીજાના ખભે બંધુક રાખીને કરે છે. વર્તમાન સમયમાં સમાજના જાગૃત, શિક્ષિત અને યુવા વ્યક્તિઓએ આગળ આવીને સમાજને ગેર માર્ગે દોરનાર, સમાજના સામાન્ય માણસોને ડરાવનાર અને સમાજના પૈસાનો ગેર ઉપયોગ કરનાર કહેવાતા સમાજ આગેવાનોને હોદ્દાઓ ઉપરથી દૂર કરી આદર્શ, કુનેહવાળા, દીર્ઘદ્રષ્ટિવાળા અને જેઓની સમાજમાં છાપ વર્ષોથી પ્રેરણાદાયી હોય એવા વ્યક્તિને જ સમાજનું સુકાન સોંપવું જોઈએ જેથી જ્ઞાતિજનોનો વિશ્વાસ જળવાઈ રહે. સમાજ સાથે છેતરપિંડી કરીને કે સમાજને ગેર માર્ગે દોરનાર સમાજ સેવકને લોકો અમુક સમયે ઓળખી જાય છે. સમાજ અને પરિવાર સાથે ખોટું કરનાર વ્યક્તિ માટે કહેવાય છે ને *"માજન અને મજિયારો ક્યારેય કોઈને સગો થતો નથી"* જે વ્યક્તિના કર્મ સ્વરૂપે ચોક્કસ રીતે કોઈને કોઈ રીતે સમયના ચક્ર સાથે પરત મળે છે. વર્તમાન સમયમાં સમાજની સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં આદર્શ પ્રમુખ પણ જોવા મળે છે કે જેઓ સમસ્ત સમાજને ધર્મની ધજા નીચે એક કરવાનો પ્રયાસ કરતા હોય છે.
લેખક : ડો.કુંતલ એમ.પંચાલ
વક્તા,પૂર્વ મંત્રીશ્રી લુહાર જ્ઞાતિ,સિહોર
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
કોન્ટેક્ટ : 9512171071



























































No comments:
Post a Comment